“જમીનથી અધર ચાલનાર અભિમાન કહેવા લાગ્યો…
” મારે કોઈની જરૂર નથી…”
ત્યારે કાયમ લોકો સાથે પનારો પાડનાર અનુભવ બોલ્યો…
” બસ…કરજે…. એક નાના તણખલાની પણ જરૂર પડે ” ” (ઇસબ મલેક ” અંગાર”)
અભિમાન! એવું અભિમાન આપણા અંદર ખૂપી જાય છે. ત્યારે સમય આપણને ભાન ભૂલાવે છે.
બાળક હોઈએ ત્યારે કાલાઘેલા,જુવાનીમાં ખુન્નસ, પૌઢાવસ્થામાં મહાનતા, બુઢાપામાં પરાધીનતા. આ બધા એક પ્રકારના ‘અહમ્’ જ છે. સમયના વહેણમાં આપણે એવાતો વહેતા હોઈએ છીએ, કે કાળને પણ ભૂલી જઈએ છીએ. આપણે આપણી જાતને પણ ભૂલી જઈએ છીએ.
બાળક પડી આખડીને ઊભું થતું હોય, ત્યારે પોતાની મા સામે એવી રીતે જુવે જાણે પહાડ ચઢી ગયું છે. “નહિ, હું નહિ જ કરું”, “મને આવડે છે!, ગમે ત્યાં, ગમે તે વસ્તુની તોડફોડ,કૂદકા-ભૂસાકા, આ બધું જુવાનીનું જોમ,ખુન્નસ છે. પ્રૌઢાવસ્થામાં.. ‘મેં આ કર્યું !, હું આ કરીશ, મારા જેવું મહાન આ દુનિયામાં બીજું કોઈ નથી.’ આવા ‘વહેમ’માં આપણે રહેતા હોઈએ છીએ. તો…….,
“હું કરું,હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જ્યમ શ્વાન તાણે.”
અહમ્ તમને ક્યાં ખેંચી જાય ખબર નથી. અને આંખના પલકારામાં તો બુઢાપો આવી જાય! અને ખરેખર ‘જરૂરત’ એટલે શું ત્યારે જ સમજાય.”આ બુઢ્ઢો! ..” કડવા ઝેર જેવાં વાક્યો, અથવા વર્તન સહન કરવું પડે, ત્યારે જ અનુભવની કદર થાય.
અરે! રાજા જેવા રાજાને પણ બીજા લોકોની જરૂર પડે છે. દરિયા ઉપર સેતુ બાંધવા રામને વાનરસેનાની જરૂર પડી જ હતીને?
તમારા ઘરમાં પુલીસનો દરોડો પડે, તો તમે ઘર છોડીને એવા લોકોના ઘરમાં સંતાવ જ્યાં પુલીસને કોઈ દિવસ શંકા જ ન જાય કે અહીં કોઈ ‘ચોર’ સંતાઈ શકે. ત્યારે આપણે “ગરીબ અને તવંગર”નો ભેદભાવ આરામથી ભૂલી જઈએ.
પંચતંત્રની વાર્તાઓમાં આપણે વાંચ્યું છે. જંગલના રાજા સિંહને પણ ક્યારેક ઉંદર જેવા નાચીજની જરૂર પડી હતી. જ્યારે એ શિકારીની જાળમાં
ફસાઈ પડ્યો હતો.
અહમ્, અભિમાન,ઘમંડ એ એવા હથિયાર છે, જે દેખાય તો બહુજ ‘પોતિકા’ પણ ક્યારે તમારા પગ ઉપર કરવત ફેરવી દે એ તો સમય જ બતાવે.
માટે…. મિત્રો……,
એક નાનું તણખલું પણ કામ આવી શકે છે…,એનો અનાદર કદી ના કરીએ..
મુક્તિદા ઓઝા.