એલાસ્ટિકની દોરીને તમે, ખેંચો ખેંચો ખેંચો..એ બિચારી લંબાતી જાય લંબાતી જાય લંબાતી જાય, અ..ને અંતે એવી સટાક દઈને તૂટે કે સીધી તમારા હાથ ઉપર લાલ ચટક સોળ ઊઠી જાય!
એક ભાઈ પાસે નોકરી નહોતી..એ બહુજ ગરીબ હતો.એની માએ કહ્યું,”તારા પાસે આ લોટથી ભરેલો ઘડો છે! એ વ્હેંચી એમાંથી પૈસા બનાવ! આ તો ભાઈ શેખચલ્લી. બસ સપનામાં જ લોટનો ઘડો વ્હેંચી..પૈસા બનાવી,પરણી,બંગલો બનાવી,ઘરમાં જ ઘોડા સુધી પહોંચી ગયો. ઘોડા ઉપર ચઢતાં, ઘોડાને(ઘડાને) એવી તો લાત મારી, કે માટીનો ઘડો ટૂટી ગયો! લોટ ઢોળાઈ ગયો. અને શેખચલ્લીભાઈ, ત્યાં ના ત્યાં રહી ગયા !!
આપણી જિંદગીમાં આપણે એવું જ કરતા હોઈએ છીએ.
ઘરની નજીકમાં “હજામ”ચાલીસ રુપિયામાં હજામત કરી દેતો હોય! પણ..આપણે તો.”દેવા નફીશ” પાસે જ હજામત કરાવવી હોય! કારણકે એ હજામ ફિલ્મી સિતારાઓની હજામત કરે છે.
ઘરમાં ટીવી સામે બેસી બેસીને, પીપ જેવી કમર થ્ઇ જાય. પછી”બાજુવાળા લલિતાબેન કેટલા સ્લીમ અને ટ્રીમ છે! કારણકે એ તો “ડાયેટીશ્યન”ને પચ્ચીસ હજાર રૂપિયા ભરીને, ડાયેટ કંટ્રોલ કરે છે! દરરોજ પીસેલી બદામની રોટલી અને દાડમના શાક, સિવાય કશું ખાતાં જ નથી.! પાછાં..”વેગન” છે!. એટલે દૂધ પણ ગાયનું નહિ બદામનુ જ દૂધ! અને “હરબલટી” હા ,આ બધાના ભાવ, આપણા સામાન્ય ખોરાક કરતાં, પંદર ટકા વધારે હોય! પણ કીટીમાં, કહી શકાયને? કે એ કેવી રીતે ડાયેટ કંટ્રોલ કરે છે,!
આ બધા ખર્ચ,પાછળ, પતિ કામમાં એટલો તો ખેંચાતો હોય કે. આઠના બદલે, બાર કલાક કામ કરી થાકી જાય! અને થાક ઉતારવા, મસ્ત મસાલા વાળી ગરમાગરમ ચાના બદલે..પેટમાં ગરમી ઊઠે એવાં પીણાં સાથે તીખા તમતમા નાસ્તા,સ્ટાઈલીશ સિગાર!! અને પછી..બેફામ આધુનિકતા!
આ બધું વધારે પડતા કામ થકી.
દેખાદેખી,તથા જિંદગીની અનિયમિતતાના કારણે, જુદાજુદા રોગો તો ખરા જ.પણ વધારે પડતી જવાબદારીઓ, કાળા/ધોળા કામને કારણે હૃદય ઉપર એટલો બધો બોજો! આવી જાય, કે ક્યારે ઊડી જાય તે કહેવાય નહિ!!! એટલે ‘ફલાણા’ ભાઈ તો પચાસની ઉમરમાં હૃદયનો હુમલો આવ્યો! એવું આપણે સાંભળતા હોઈએ છીએ.
જુવાનને પણ શરમાવે, એવા મોટી ઉમરના લોકોને કામ કરતાં જોયા છે. કારણકે એ લોકોની જિંદગી,રહેણીકરણી નિયમિત છે. બપોરના ભઠ્ઠ તડકામાં, ખેતરમાં કામ પૂરું કરી, લીમડાના ઝાડના છાયામાં,ઘટ્ટ રઘડાજેવી છાશ, લસણની ચટણી, કાંદાનીફાડ અને રોટલા ઉપર માખણનુ દડબું, હાથમાં લઈને જાપટે!… ન તો dining table હોય કે ન airconditioner! છતાંએવી લિજ્જતથી ખાતા હોય..કે પછી આવા લોકો નેવું તો શું એકસો દસ વર્ષના! પણ….. જુવાન દેખાય જ ને? તમારા સામે જલેબી છે. તમે એક બે કે વધારે માં વધારે છ ખાશો, પછી તમને અકળજ આવી જશે.
ભયંકર ઉનાળો પૂરો થવા આવે, એટલે આપણે એનાથી એવાતો કંટાળ્યા હોઈએ છીએ કેહવે ‘બહુ થયું!’એમ થાય, એટલે વરસાદને યાદ કરીએ અને..જેવાં વાદળ ઘેરાવા માંડે, એટલે, મેઘને ઓહોહો જુદીજુદી રીતે વધાવીએ. અ..ને જેવા મેઘુ ભૈયા, પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવે એટલે. .. આપણે વરસાદથી માંડીને સરકાર અને સમાજને ભાંડવા માંડીએ.! કારણકે,અતિવૃષ્ટિથી અનાજ,ખેતી સમાજજીવન બધાને નુકશાન થાય.
TAN થવા માટે, દરિયા કિનારે, પરદેશી લોકોને નગ્નાવસ્થામાં sunbath લેતા જોયા છે? એ લોકોને ખબર હશે કે નહિ? પણ આ વધારે પડતો તડકો. કેટલીક વખત.સ્કીનકેન્સરનું કારણ બનતો હોય છે, જેમ વધારે પડતું તમાકુનું સેવન! પણ રોગોનુ કારણછે..
વધારે પડતી રૂપાળી છોકરીને પૂછી જોજો,એ ક્યારેક એવી કંટાળી જાય! ચારેબાજુથી, એને આંખો નજરાવતી હોય.! એનો પતિ પણ ,એને શંકાની નજરે જોવા માંડે.એનું ઉદાહરણ”સીતા”એના રૂપથી મોહીને જ રાવણ એનું અપહરણ કરી ગયો.
માટે….જ…..,
अति सर्वत्र वर्जयेत्।।…………
મુક્તિદા કુમાર ઓઝા
“રસના ચટકાં હોય,કુંડાં નહિ”
