“જીવનમાં સારો સમય
લાવવા માટે,
ચાલુ સમયને ઉપયોગ સતત
કરતા રહીએ, કારણ કે
જીવનનું ભૌતિક એકમ
એટલે જન્મ થી મરણ
સુધીનો સમય,
એમાં જેટલા કલાકો
બિનઉપયોગી ગયા..,
એટલો ભાગ જીવનનો
બેકાર ગયો…!”
(ઇસબ મલેક “અંગાર”)
___ — ___ — ___ — ___ —
ઉપરવાળાની ચિઠ્ઠી
નીકળશે એટલે, ઉપર ગયા વગર છૂટકો જ નથી.પણ”સમય”નો સદુપયોગ કરવો તે એક જરૂરી ક્રિયા તો છે જ. સમય સરકતી રેતી જેવો છે.
આ જુઓને ઘરમાં બેઠાં..”કૉરોનાને છ મહિના થઈ ગયા! જરા પાછું વળીને જુઓ તો ખરા,આ ‘સમય’,(આ કૉરોનાકાળ) દરમિયાન શું કર્યું? ‘પત્નીને પ્રેમ કર્યો?’,’પોતાની જાત માટે શું કર્યું?’ ‘બાળકો સાથે કેવી રીતે સમય પસાર કર્યો?’ ખરેખર! છ મહિના પછી,તમે તમારા મિત્રને મળશો,તો એ તમને, તમારા પેટને,જોઈને બોલશે”અરે યાર!, કેટલામો મહિનો ચાલે છે?” મતલબ,તમે તમારી જાતનું,તમારા”પેટ રૂપી ગટ્ટર”નું એટલું ધ્યાન રાખ્યું છે કે એ હવે ઊભરાવા માંડે છે.
આ જનમમાં જે ભેગું કરીએ,તે આવતા જન્મમાં પણ કામ લાગશે.”પૈસા,ધન,દોલત”ની વાત નથી.”સંસ્કાર”ની વાત છે. જે કાંઈ જ્ઞાન આપણે મેળવીએ છીએ તે અફેર નથી જાતું.મૃતદેહ માત્ર શરીર રૂપી કપડાં બદલે છે!.આ જન્મનું શરીર પંચતત્વોમાં ભળી જાય છે! ભણીએ,સમજીએ તે મગજની ચિપમાં એકદમ ચિપકી જાય છે.(જે તમારી સાથે જ રહે છે).
“સંસ્કાર એવો ભંડાર” છે જે વ્યર્થ નથી જાતો. તે ગંધાતો નથી, તે બગડતો નથી, તેને કોઈ ચોરી પણ શકતું નથી.
છ કલાક સુધી ‘નવરા’ કાંઈ પણ કર્યા વગર બેસી જોજો, તમે એવા કંટાળી જશો કે,તમારું શરીર જકડાઇ જાશે, માથુંમા ભારે થઈ જાશે.જે ન થવું જોઈએ તે,બધું જ થાશે!! અને સમજાશે, જ્ઞાનવગરની પ્રવૃત્તિ વગર આપણે “સાક્ષાત્ પશુ: પૂછ વિષાણ હીન:!છઈએ!!!
હું બાળક હતી, ત્યારે મારા મોટાભાઈ કહેતા”વાંચો વાંચો” સમય ‘ભટકવા’માં અને ‘પંચાત’માં બરબાદ ના કરો” આ વાતનો અર્થ ત્યારે સમજાયો,જ્યારે “મેનોપોઝમાં બૈરાંઓને ડિપ્રેશનમાં જાતાં જોયાં!””નવરું મન શૈતાનનું ઘર”!
શરીર એક મશીન છે. એને શારીરિક,માનસિક,આધ્યાત્મિક,આર્થિક દરેક રીતે પ્રવૃત્ત રાખવું જરૂરી છે.નહિ તો,ક્યાંથી કાટ ખાશે તે પણ ખબર નહિ પડે! લોકો આનંદ સેલિબ્રેટ કરવા નાચે,ગાય. આપણે ક્રિકેટર ચોકા/છક્કા મારે ત્યારે,હાથો ઊંચા કરી ગાળો બોલતાં જોયા છે. જે મજા આવે તે કરો.આળસને ભગાડો.વ્યસ્ત રહો, મસ્ત રહો,ખુશ રહો.મોજ કરો.!
આ “સમય” કેવો છે? એક નાનકડી દિકરી પરણીને સાસરે જાય..અને ઘરના દરવાજે તેણીના હાથે કંકુના થાપા લગાવે! અને ગાડીમાં બેસી,”મિંઢળ બાંધેલા, મહેંદી રંગેલા હાથથી,”આવજો કરે !! ત્યારે “સમય”ની કિમ્મત થાય.જેના થનગનાટથી આખાં ઘરમાં, આનંદની હેલી ચઢતી હતી. તે આવડી મોટી!..પરણીને પોતાના ઘેરે”સાસરે”જાયછે!? “પારકી”થઈ ગઈ.
નાના બાળકથી બુઢાપા સુધીનો ‘સમય’ કેમ પસાર થઈ જાય,ખબર નથી પડતી.
ત્યારે થાય,જેમ જિંદગી આવી, એવીજ સ્વીકારી લીધી!
આજકાલનાં બાળકોની આંખો જોઈ છૈ! કેટલી ચપળ,ચબરાક હોય છે! આ બાળકો,”યોગ ભ્રષ્ટઆત્માઓ” છે!એવું નથી લાગતું?!એની આંખોમાં જે ચમક હોય,તરવરાટ હોય છે.એમને જેટલું શીખવશું, તે ફટાફટ ગ્રહણ કરી લેશે..અને ભવિષ્ય માટે નવું/ સારું શીખી લેશે.
“જીવનમાં સારો સમય લાવવા માટે આનંદ અને સરસ પ્રવૃત્તિમાં મનને સતત જોડી રાખવું જરૂરી છે.
કૂતરાને શ્વાસ લેતાં જોયા છે? જીભ બહાર કાઢી જે ફટાફટ શ્વાસ લે,તમે એકદમ ફાસ્ટ ચાલો અથવા જોગીંગ કરો,પછી તરત તમારા હાર્ટબીટ તપાસો.ખૂબ ફાસ્ટ થઈ જશે!! દોડવાથી અથવા તમારા વિચારોની પણ અસર તમારા હૃદય ઉપર પડતી હોય છે.એવુ કહેવાય છે કે શ્વાસોચ્છવાસનો સમય નક્કી છે..એ ગણતરી નો સમય આનંદથી અને શાંતિથી પસાર કરીએ તો કેટલું સારું!
મુક્તિદા કુમાર ઓઝા