“કુદરતી નિરાધાર હોય, તેતો સમજ્યા,
પણ …,
કેટલાક પોતાની ક્ષમતાને શુસુપ્ત કરી, નાના નાના કાર્યોમાં બીજા ઉપર આધાર રાખી , હાથે કરીને નિરાધાર બની રહ્યા છે..!”
—- -(ઇસબ મલેક “અંગાર”)
એક બહેન પરણી પછી વર્ષો સુધી સરસ રીતે ઘર સંભાળ્યું! એમને પોતાની તાકાતનું ભાન નહોતું. એ તો એમજ સમજતાં હતાં કે ‘ઘર સંભાળવું’,એ જ ‘કામ’ કહેવાય, પણ એમના નસીબમાં કોઈ સારા મિત્ર મળ્યા જેમણે,એમની આંખ ખોલી! અને કહ્યું ઘરના કામ તો કરો જ! તે ઉપરાંત, તમારામાં એવી લાયકાત છે, કે તમે સારા ડ્રેસ ડીઝાઈનર બની શકો! એ બહેને એ દિશામાં પણ મહેનત ચાલુ કરી..અને એ બહેન અત્યારે,ફિલ્મી અભિનેતાઓના કપડાં શિવીને,હજારો રૂપિયાની ‘પોતાની’ કમાણી કરે છે!
પણ..’બાબુ પાની દેને જરા’..’કાગજ ઉઠાના’.’ચપ્પલ જગહ પર રખના’’ખાના લગાના’..આવા લોકો ભૂલી જાય છે કે, બ્રિટીશરોના આપણે ‘ગુલામ’હતા.પણ અત્યારે..લતાબાઈ, શંતાતાઈ,રામૂ,બાબુ,ઢોલુના ‘ગુલામ’ થઈ ગયા છીએ!આ લોકો ન હોય તો આપણે, કેવા ‘પાંગળા’ બની જઈએ છીએ!! તે કૉરોનાને પૂછો. જ્યારે,તમે ‘ગુલામી’ના આદી બની જાવ,ત્યારે ‘તાકાત’કશું કામ નથી કરતી.?
હાથ તૂટી જાય,પગ તૂટી જાય કે તમે અપંગ હો તો. તમને બીજા લોકોની ‘મદદની’ જરૂર પડે તે સ્વાભાવિક છે. ખૂબ પૈસાવાળા હો તો,પાણી માગો ત્યાં દૂધ હાજર થાય! પણ.. છેવટે,આ શરીરને ‘પરવશ’ કરવું કેટલું યોગ્ય છે? રોગોને આમંત્રણ આપવા માટે?!
આપણી આ વિચિત્ર ‘મહાનતા’ આપણને શારીરિક,માનસિક અને આર્થિક રીતે’પરાધીન’ બનાવે છે..!
જે દિવસથી, ટીવી ઘરમાં આવ્યું છે.તે દિવસથી,આપણે ઘરકામ માટે પરાધીન નથી થઈ ગયા? બપોરે એકવાગ્યે જમીને,વાસણનો કડૂસલો પરસાળમાં મૂકીને,ટીવી સામે બેસી જાવાનુ. આ બધું માણવામાં જનરલ નોલેજ વધતું હશે કદાચ! પણ જ્યારે..સોફા ઉપરથી સૂવા જવા માટે ઊભા થાય ત્યારે સોફાની બિચારાની હાલત જોવા જેવી હોય! એવા સરસ પરમેનન્ટ ખાડા બની ગયા હોય! તે જોઈ જોઈને લાગે,મુબઈના વરસાદના ખાડા,ફટાફટ પૂરાઈ જાશે! પણ.. આ સોફાના ખાડા તો ક્યારે પૂરાશે?! રામ જાણે…!
તમને ખબર છે! તમે બધે પહોંચી શકો એમ છો,પણ ક્યારેક ઘર, ક્યારેક સમાજ,કે ક્યારેક ઑફિસનું “રાજકારણ” તમને “પરાધીન” બનાવતું હોય છે.જેના પાછળ મહાન લોકોની મહાનતા..કામ કરતી હોય છે કામવાળીના કરતુત નહિ!
મુક્તિદા કુમાર ઓઝા