વરસાદી વાતાવરણ વચ્ચે કળાયલ મોરલો તો બહુજ યાદ આવે છે! મોરપીંછની સુંવાળપ? કૃષ્ણભગવાને પણ જેને પોતાના મુગટની જગ્યાએ ધારણ કરી લીધી છે! એવા મોરની સુંદરતાને આ દુનિયામાં કોણ ના વખાણે??!
ગીતોમાં ગવાતો મોરલો!! માત્ર ચિત્રમાં જ છપાઈ, અને ભીંત ઉપર લટકી જશે. એવું તો નહિ થાયને?
આજે મોટા શહેરમાં ઉછરતાં બાળકને પૂછો! “મોર જોયો છે?”અરે એણે તો મોરને કવિતામાં પણ નથી સાંભળ્યો..! आषाढस्य प्रथम दिवसे..! ના કાળા મેઘાડંબર સાથે પણ એ બાળકોએ મોરને ગહેકતો, વરસાદી માહોલને વધાવવા ઢેલ સાથે આનંદથી નાચતો-માણતો જોયો છે??
આવા આનંદી માહોલ વચ્ચે
‘મન મોર બની થનગનાટ કરે’જાણે મોર જ આનંદનું પ્રતીક છે..
કૃષ્ણના મુગટની મોરપીંછથી માંડી વાસ્તુ શાસ્ત્ર સુધી આપણે મોરને લડાવી છીએ.
એ પણ કેટલો આનંદી છે નાચતો જ રહે નાચતો જ રહે અને ઢેલને પણ .. (ના છૂટકે) નાચવું જ પડે..
જ્યાં જુઓ ત્યાં આનંદ જ આનંદ.
રંગીન પીંછાં ફેલાવી કળા કરતો મોર દેખાય એટલે કુદરત પણ કાલી ઘેલી થઈ જાય. ખુશી વર્તાઈ જાય આસપાસ કંઈ ‘મેઘુ ભૈયા’ના આવવાના વાવડ છે..આ સૌંદર્ય અને આનંદનું પ્રતીક મોરલો .
મન મનમાં થનગનતો મોરલો..
દૂ…ર ઢોલ ઢબુકવાના અવાજ આવે અને સાથે
ચાક વધાવવા જતી ગામની ગોરીઓના,સુમધુર છતાં પડછંદ અવાજમાં પડઘાતા મોરલાનાં નામ સાથે જોડાતાં લગ્નગીત! વાહ વાહ કેમ ભુલાય?
“મોરલીયા.. જાજે ઊગમણે દેશ. ઉડતો રે જાજે રે વેવાઈયુંને માંડવે
અને આપણે એવા તો ગરજૂડા,કે ત્યારે મોરને એવો તો સજાવીએ કે
“મોર તારી સોનાની ચાંચ
મોર તારી રુપાની ચાંચ”
સોનાની ચાંચ રે ..
મોરલો મોતી ચણવાને જાય…
આવી રીતે મોરને સજાવતા! આપણે!
એજ મોરનો શિકાર કરી ફાઈવસ્ટાર ડીશમાં એક ‘વાનગી’તરીકે મૂકવામાં પણ બાકી નથી રાખતાં!!!
આ લીલૂડી ધરતીને સોનલ વરણી સંધ્યા એવીતો આચ્છાદિત થતી હોય!એવું લાગે સાંજના સમયે પોતાના પ્રિયતમની રાહ જોતી ધરતી! સોનાવરણી ઓઢણી ઓઢી તૈયાર થઈ બેઠી છે ..
અને એના આનંદમાં કુદરત સાથે તાલ મેળવી મોર નાચે છે, મેં..આવ! મિં આવ…(“મિં આયો માધો આયો ધરતી તાજો લાડો આયો”)..
‘મિં આ..વ”.. બોલીને હરખાય છે.
મુક્તિદા કુમાર