સૂરજની સંતાકૂકડી” “વરસાદ”

આંખે હાથનું છજું કરીને, ભયંકર તપતા તડકા, અને ગરમ ગરમ દઝાડતા પવનની વચ્ચે, ઊંચું માથું કરીને આકાશને તાકતો હોય ખેડૂત.!
ત્યાં જાણે ખેડૂતની ચિંતાનો અંત હોય, તેમ ઈશાનના વાયરા વહેવા માંડે, દૂર એકાદ વાદળું દેખા દે! ચાતક મોઢું ખોલીને, ચારે બાજુ આતુરતાથી જોતું હોય કે હમણાં ટીપું પડશે. કાગડા જેવાં પક્ષીઓ, પ્રાણીઓ, પોતપોતાની જગ્યાએ છાંયડો શોધીને આરામ કરતાં હોય. શેરીમાં નાના નાના બાળકો “આવરે વરસાદ! ઘેબરિયો પ્રશાદ
ઉની ઉની રોટલીને કારેલાનું શાક! એવું ગાઈ ગાઈને જાણે વરસાદની રાહ જોતાં હોય!!
જમીનની અંદર જેટલો ઊકળાટ, એટલો જ પાણીમાં પણ. એ પાણી તો ઊકળવા માંડે અને બાષ્પીભવન થઈ એનાં વાદળાં બને! આખું સૃષ્ટિચક્ર ગતિ કરવા માંડે! ઉપર આકાશમાં સૂરજ જાણે.વાદળો સાથે ગેલમાં આવી, સંતાકૂકડી રમતા હોય…!
વરસાદની મોસમના આવવાની તૈયારીથી,આખી સૃષ્ટિ જાણે આનંદ-પ્રમોદ કરી મૂકે! તેવામાં,દૂરથી કાળાંડિબાંગ વાદળાં,જાણે લશ્કર ચઢાઈ કરતું હોય,તેમ દેખાદે..!
આકાશમાં આવતાં કાળાંવાદળાં જોઉં ત્યારે, મને તો કવિ કાલિદાસના”મેઘદૂત”નીએ સ્ત્રી પતિના આવવામાટે दिवसगणना तत्पराम् एक पत्नीम् યાદ આવી જાય.! વળી કાળાંવાદળાંની વચ્ચે,એકાદ સફેદ કબૂતરને ઊડતું જોવુંને!તો મને પણ..”એકાદ પ્રેમપત્ર” લખી નાખવાની ઈચ્છા થઈ જાય છે!! આવા,ઘેરાયેલા મેઘની વચ્ચે, વીજળીના સબાકા દેખાવા માંડે! આકશમાં એવી તો ગર્જના થાય! કે ચોક્કસ ઉપર ભગવાન”ગેડીદડે” રમતો હશે! પણ આતો..“મેઘભૈયો” પોતાની પ્રેયસીને મળવા અધીરો બન્યો હોય એવું લાગે છે! સાહિત્ય રસિકોએ તો વરસાદને પોતાની કવિતા,નાટક કે બીજી રચનાઓમાં, પોતાની મનગમતી રીતે વરસાદને વર્ણવ્યો છે.
વરસાદમાં, મને તો મારું બાળપણ યાદ આવી જાય! એટલે પંચાવનની ઉંમર પાર કરીને પણ હું, પંદરની હોઉં! એમ નરીમાન પોંઈટની પાળે,મકાઈનો ભૂટો ખાતાંખાતાં, વગર છત્રીએ, ઊછળતા દરિયાના મોજાંની છાલક, અને વરસાદની રમઝટ વચ્ચે,ભીંજાતી જ રહું,વરસાદી મોસમને માણતી જ રહું!!!
એ.. બાળપણ! કોઈ મને પાછું લાવી આપો!!.. વરસતા વરસાદમાં, બારતાકમાં,’રુક્માવતીનદી’ના પાણી હિલોળા લેતાં હોય, ‘અરબીસમુદ્ર’ને મળવા.!,અને દરિયો પણ પોતાની પ્રિય સખીને આલીંગવા, એકરૂપ થવા ઊછાળા મારતો હોય !..
કોઈ લૌટા દો મેરે(બીતે હુએ દિન) બચપન કે વો દિન!
એ ‘ટોપણસર’ છલકાઈ જાય એટલે,ગામમાં જાણે,વહાલસોયા પુત્રનાં લગન હોય એમ, ઢોલ-નગારાં વગાડી, વાજતેગાજતે, ગામના નગરપતિ,તળાવના કિનારે જાય.એમના આંગળાને ચાકુથી છેરકો મારી,તળાવને પોતાના લોહીથી તિલક કરે! અને આનંદભેર વધાવે!!આ વરસતા વરસાદના વધામણાંમાં ઘેરઘેર”મેઘલાડુ””લાપસી”ભજિયા,ગરમાગરમ ફાફડા-જલેબી અને લીલામરચાંની મિજબાનીઓ થાય,કારણકે વરસાદ ઊપર જ આપણું જીવન નિર્ભર છે.
આકશમાં વાદળાં જોઉં, ત્યારે અતિવૃષ્ટિની પણ બીક લાગે.
ગટ્ટર, રસ્તાના ખાડા,પાણીથી થતા રોગો,વીજળી પડતાં થતું નુક્શાન.!. બીક તો લાગે! બીક તો લાગે..જેમ,ધીરગંભીર પિતાને જોઈને બીક લાગે!! પણ એના વિના ચાલશે નહિ જ!
આપણી માવડી ધરતી માતાનો પ્રિયતમ! સુજલા-સુફલા બનાવી,લીલીચુંદડી ઓઢાડી, શણગારનાર!આવે તો, જીવો આનંદમાં ગરકાવ થવાનાજ..એટલે…”મારે ઘેરે આનંદ-ઓચ્છવ થાય રે…” આ આનંદ અતિ ઘણો! મનમાં ના સમાય રે..”
મુક્તિદા કુમાર ઓઝા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: