અંધારામાં પડછાયો નહિ, ફક્ત હિંમત જ કામ આવે છે.

હમણાં વોટ્સએપ ઉપર એક સુવાક્ય મળ્યું…
” પડછાયો કદી સાથ છોડતો નથી..!”
એ તો ઠાલી ડાહી ડાહી વાતો છે,
અંધારું થાય ત્યારે જોજે…”અંગાર”..,
પડછાયો પ્રથમ ગાયબ હશે…!
સાથ દેશે…જો,
તારામાં હશે …
તો હિંમત જ કામ આવશે…!”
(ઇસબ મલેક “અંગાર”)
શુ આ સાચું છે…?
જરા જોઈએ…..તો,
મારે રે સથવારો હરિ નામનો! તમે સાથી કોને બનાવો છો? અને શામાટે બનાવો છો? “સાથ” શબ્દ પરાધીનતાનો પર્યાય છે. તમે માનસિક રીતે પરાધીન હો એટલે જ સાથની જરૂર પડે. રવીન્દ્રનાથ ટાગોરે સરસ ગાયું છે, ‘તારી કોઈ હાક સૂણીને ના આવે, તો તું એકલો જાને રે!
તમારી “મંઝિલ” તમે નક્કી કરી લીધી છે. અથવા તો નક્કી થઈ ચૂકી છે, તે મંઝિલ સુધી તમારે કોઈ પણ સંજોગોમાં પહોંચવાનું છે. કેટલાય લોકોને જોયા હશે જેમને કોઈ કામમાં તકલીફ થાય અથવા સફળતા ના મળે, તો બહાના કાઢે. .”આ તો તે દિવસે ઉજાગરો થયો હતો ને!” “ઈન્દીપેનમાં શાહી નહોતી ને!” પેટ માં દુ: ખતું હતું ને! આ બધી વસ્તુઓ તમારી મંઝિલ સુધી પહોંચવાના દોરી સંચાર છે?
એ નથી એટલે આપણી સફળતા નથી એ ખોટું છે.
પડછાયા પાસે અંધારાંને ઉલેચવાની તાકાત નથી. એણે અંધારાં સાથે મળી જાવું જ પડશે.
પણ અંધારાંનો સામનો કરવાની તાકાત/હિમ્મત આપણામાં છે. હિંમતે મર્દા તો મદદે ખુદા.
પણ સાચું કહું ખુદાના પણ સાથ વગર અંધારાંને કાપી આગળ વધે તેને જ હિમ્મત કહેવાય. હું તો એવું માનું છું,
કે “તું” જ તારી જાતનો બેલી બન. તારા હૃદયની ગુફામાં એવો દીવો પ્રગટાવી જે તને તારી મંઝિલ સુધીપ્રકાશ, અજવાળા પાથરી દે અને મારગે આવેલ સૌને અજવાસ અજવાસ ફેલાવી દે
પવનની આદત છે ફૂંકાવાની, ફૂંકાઈને હવામાં ભળી જશે. પાણીની આદત છે વહેવાની, વહી વહીને જેવો દરિયો દેખાશે , એ દરિયામાં ખોવાઈ જશે, પડછાયાની આદત છે પાછળ રહેવાની.અને જેવું અંધારુ થશે તે પણ એમાં ખોવાઈ જશે.
વાહ તો એટલું ચોક્કસ છે કે કોઈના પર આધાર ન રાખવો
“બંદર તો દૂર છે.
જાવું જરૂર છે
બેલી તારો તું જ છે!!”
……..મુક્તિદા ઓઝા.

Leave a comment